આ મારી પ્રથમ સ્વરચિત અછંદાસ રચના છે. લખવાનું સાહસ આજ સુધી કયારેય કર્યું નથી. વિદેશમાં છું અને વ્યવસાયે ઇજનેર છું, એટલે વ્યાકરણની સ્વાભાવિક ક્ષતિયો માફ કરી/સુધારીને પણ જો વાંચશો તો મને વધું લખવાની હિંમત મળશે તે આશા સાથે પ્રસ્તુત છે “પ્રેમ”….

પ્રેમ…
માત્ર સમર્પિત યુગલની લાગણીઓમાં જ સિમિત નથી પ્રેમ…
પરિભાષા નથી, પણ જગત આખાની ભાષા છે પ્રેમ…
ઘન, પ્રવાહિ કે વાયુ નથી, રંગ, ગંધ, ક્દ, આકાર, કે પરિમાણ નથી,
વિજ્ઞાન નથી, તોયે ન્યુટનના ત્રણે નિયમો પાળે છે પ્રેમ….
અર્થશાસ્ત્ર નથી, તોયે ઘણા શાસ્ત્રોનો અર્થ છે પ્રેમ….
જાણો તો, જગત આખાનું નાણું છે પ્રેમ…
કરાય નહીં વેપાર પ્રેમનો, એવો છે જગતનો વહેવાર,
થાય પ્રેમ તણો વહેવાર, તે દિ જ બને સાચો તહેવાર,
સમયની સાથે વહી જાય…, અને રહી જાય તે પ્રેમ…
ધ્વનિ સાથે પ્રેમ તે સંગિત, શબ્દ સાથે પ્રેમ તે ગીત,
અન્ન સાથે પ્રેમ તે સ્વાદ, પ્રકૃતિ સાથે પ્રેમ તે સૃષ્ટિ,
દ્રશ્ય સાથે પ્રેમ તે સુંદર, દ્રશ્યમાં નહીં દ્રષ્ટિમાં છે પ્રેમ…
જ્યાં જુઓ ત્યાં પ્રેમ, તોયે વ્હેંત છેટો છે પ્રેમ…
નસીબ હોય તો જ મળે એમ નહીં, પણ નસીબ હોય તો જ સમજાય પ્રેમ…
વિદ્વાનોને ભલે ના સમજાય, અભણ તો શું? જીવ માત્રને પણ સમજાય પ્રેમ…
બાલ, તરુણ, વૃધ્ધ તો શું? ઝાડ, પાન, પશુ, પક્ષીનો પણ ઇજારો નથી પ્રેમ…
જડ અને ચેતનમાં પણ પ્રેમ…
ઉષાના કિરણોને ઝાકળ સાથે પ્રેમ…
વરસાદના સૂરજનો મેઘધનુષમાં ભાસે પ્રેમ…
તરુ ને ધરા સાથે, તારામંડળ ને ધ્રુવ સાથે પ્રેમ…
પર્વતને નદી સાથે, નદીને દરિયા સાથે ને માટીને ઢેફા સાથે પ્રેમ…
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…
જગત આખામાં પથરાય એટલો વ્યાપક તોયે, નાના બાળકની મુઠ્ઠીમાં સમાય પ્રેમ…
નિબંધમાં બંધ થાય નહીં, તોયે મુક્તકના પદોમાં સમાય પ્રેમ…
કોઈ સાચા સંતની ઝોળીમાં પણ સમાય પ્રેમ…
સ્વજનની આંખોમાં પણ ઊભરાય પ્રેમ…
થવું જ હોય પ્રેમમાં, તો પાગલ કે ઘાયલ નહીં પણ લાયક થવાય
ડૂબે તે તરે, ને તરે તે ડૂબે, આ તો પ્રેમ છે ભાઇ પ્રેમ…
સમ્રાટ અને તવંગર તો શું? નિર્ધનનો પણ ખજાનો હોય પ્રેમ…
ભક્તિની શક્તિ છે, શાસ્ત્ર નહીં પણ શસ્ત્ર છે પ્રેમ…
આમતો મને અને તમને પણ છે ક્યાંક પ્રેમ…
પણ મારો ને તમારો પ્રેમ એક બિંદુ, ને મારા પ્રભુનો પ્રેમ છે સિંધુ,
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…
દરિયો છે, આમ શબ્દોથી ઉલેચાય નહીં પ્રેમ…
ભગીરથની કલ્પના નહીં, પ્રેમ પર છે પ્રેમ…
કણ કણમાં છે પ્રેમ, પ્રભુ તારો, કણ કણમાં છે પ્રેમ…

– ભગીરથ પટેલ

Advertisements